અમદાવાદ: 31 વર્ષ સુધી અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે સેવા આપ્યા બાદ એકાએક સંતરામ મંદિરના ગાદીપતિ નારાયણદાસજીની પ્રેરણાથી સુંદરકાંડના પાઠ કરી રહેલાં અશ્વિન પાઠકે કુલ 6159 દિવસમાં 6314 પાઠ કરીને એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. 1 જૂન, 2001થી સુંદરકાંડ કરી રહેલાં અશ્વિન પાઠક કોઇપણ ચાર્જ લીધા વિના માત્ર અમદાવાદ કે ગુજરાત નહીં, અમેરિકાથી ઇંગ્લેન્ડ સુધીના દેશોમાં સુંદરકાંડના પાઠ કરી રહ્યાં છે.
કપરી પરિસ્થિતિમાં પણ સુંદરકાંડના પાઠ કર્યાં
વિશ્વભરમાં સુંદરકાંડ માટે જાણીતા અશ્વિન પાઠકે divyabhaskar.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સુંદરકાંડ દ્વારા મને હનુમાનજીની હાજરીનો અનુભવ થઇ રહ્યો છે. આ યુગમાં જીવંતદેવ તરીકે હનુમાનજી છે. આટલાં વર્ષના સુંદરકાંડ પાઠ દરમિયાન અને વિપરિત પરિસ્થિતિ આવી હતી છતાં પણ પાઠનું ખંડન થયું નથી. 2001માં પિતાજીનું અવસાન થયું. સવારે સ્મશાનમાં ગયો અને સાંજે 8:30 કલાકે સુંદરકાંડના પાઠ કર્યાં હતાં. 2008માં ભાઇનું અવસાન થયું હતું. સ્મશાનમાં ગયો અને ત્યાંથી રાત્રે ઓઢવમાં સુંદરકાંડના પાઠ કર્યાં હતાં. 2009-11માં બન્ને દીકરીઓના લગ્નના દિવસે પણ સાંજે સુંદરકાંડના પાઠ કર્યાં. ધરતીકંપ, તોફાનો કે ભયંકર વરસાદ હોય તેવા સમયે પણ હનુમાનજીની હાજરી સાથે ક્યારેય સુંદરકાંડનું ખંડન થયું નથી.
ચિકનગુનિયા અને તાવ છતાં પાઠ કર્યાં હતાં
હનુમાનજીના સાક્ષાતકાર અંગે વિગતો આપતાં અશ્વિન પાઠકે જણાવ્યું હતું કે, 2012માં અંકલેશ્વર નજીકના એક ગામમાં સુંદરકાંડનું આયોજન થયું હતું. તે સમયે અંકલેશ્વર જતાં રસ્તામાં મને સખત તાવ આવ્યો અને ચિકનગુનિયા થઇ ગયો હતો. મારા શરીરના સાંધાઓ જકડાઇ ગયા હતા. એવી સ્થિતિમાં પણ મારા એક ડૉક્ટરની સલાહથી માત્ર એક ગોળી લીધી અને ગામડાંમાં ઊભો થઇને સુંદરકાંડના પાઠ કર્યા હતા. પાઠ પૂર્ણ થયા બાદ ફરીથી મારા સાંધા પકડાઇ ગયા હતા.

No comments:
Post a Comment